4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ- ડો. ભાર્ગવ ત્રિવેદી (જામનગર) - કેન્સર ડોક્ટર

વિશ્વ કેન્સર દિવસ- ડો. ભાર્ગવ ત્રિવેદી (જામનગર) - કેન્સર ડોક્ટર
વિશ્વ કેન્સર દિવસ- ડો. ભાર્ગવ ત્રિવેદી (જામનગર) - કેન્સર ડોક્ટર

➥કેન્સર એટલે શું?
શરીર ના કોષોની સામાન્ય વિભાજનની ક્રિયા નો લય તૂટતા, તે કાબુ બહાર વૃદ્ધિ કરી અને કેન્સર જન્માવે છે.  


કેન્સરની સામાન્ય માહિતી:
➢કેન્સર આપણા શરીરના જ બેકાબુ વૃદ્ધિ ધરાવતા કોષો છે. 
➢કેન્સર ચેપી નથી.
➢મોટા ભાગ ના કેન્સર વ્યસન, અનિયમિત ખોરાક, અને અનિયમિત જીવન શૈલીમાંથી જન્મે છે.
➢કેન્સર નું વહેલું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર કરી અને કેન્સર ને મટાડી શકાય છે. 

કેન્સર ના કર્ક ને નાથીએ -  Article By Dr. Bhargav Trivedi
કેન્સર ના કર્ક ને નાથીએ 

ભારત માં દર વર્ષે ૧૨ લાખ નવા કેન્સર ના દર્દીઓ ઉમેરાય છે. આ આંકડો સતત વધી રહયો છે. પુરુષોના મોઢાના અને ગળના, ફેફસાના,પ્રોસ્ટેટના,અન્નનળીના કેન્સર સામન્ય રીતે વધારે જોવા મળે છે.જયારે સ્ત્રીઓમાં સ્તનના, ગર્ભાશયના મુખના અંડાશય અને અન્નનળીના, પેટના કેન્સર સામાન્ય રીતે વધારે જોવા મળે છે.  
"માવા ખાવા ને મોજ કરો" વાળા ગુજરાતમાં વિશ્વના સૌથી વધુ મોઢાના કેન્સર થાય છે. ગુજરાત ના કુલ કેન્સર ના દર્દીઓમાં  ૩૦% ફાળો મોઢાના અને ગળાના કેન્સરનો છે, સોપારી ગુટકા, માવો, તમાકુ,પાન-મસાલા અને ધુમ્રપાનએ મોઢા અને ગળાના કેન્સરના મુખ્ય કારણો છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહું છે. મોટી ઉમરે થતા લગ્ન,મોટી ઉમરે થતા બાળકો, સ્તનપાન નો અભાવ, મેદસ્વીતા , વ્યાયામનો અભાવ , આ બધા સ્તન કેન્સર ના મુખ્ય કારણો છે. સ્વચ્છતા નો અભાવ અને હયુમન પેપીલોમા વાયરસ (Human Papillomavirus - HPV) નો ચેપ ગર્ભાશયના મુખના કેન્સર માટે જવાબદાર છે.


કેન્સરથી બચીએ:
જીવન નિયમત રાખીએ. તાજો, પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક લઈએ. નિયમિત વ્યાયામ કરીએ. પ્રદુષણથી દૂર રહીએ. વ્યસનથી બચીએ મોઢું,ગળું ,સ્તન, વૃષણ, બગલ જેવા અવયવોની જાત-તપાસ કરતા રહીએ અને કંઈપણ અસામન્ય લાગે તો ડોક્ટર નો સંપર્ક કરીએ. 


કેન્સરના ચિહ્નનોને ઓળખીએ:
નીચે ના ભયસુચક ચિહ્નનો ખાસ ધ્યાનમાં રાખો.
શરીરના કોઈ પણ ભાગમાં ના રુજાતું ચાંદુ 
અસામન્ય રક્તસ્ત્રાવ
શરીરના અવયવોમાં સોજો કે નવી ગાંઠનું દેખાવું
ખોરાક ઉતારવામાં તકલીફ
ઝાડા-પેશાબની આદતમાં ફેરફાર 
શરીરના તલ-મસના આકાર કે રંગમાં ફેરફાર 
ખોરાક અને વજનમાં અસમાન્ય ઘટાડો
ઉધરસ આવવી, અવાજમાં ફેરફાર થવો

કેન્સરનું સ્ક્રીનીંગ કરાવીએ:
સ્ક્રીનીંગ એટલે અમુક કેન્સરને શરૂઆતના તબક્કામાં જ પકડી પાડવાનો તપાસણી કાર્યક્રમ...સ્ક્રીનીંગની અંદર ડોકટર દ્વારા શારીરિક તપાસ, લેબોરેટરી તપાસ, રેડીઓલોજી તપાસનો સમાવેશ થાય છે. 
સ્ક્રીનીંગ ખર્ચાળ નથી.સ્ક્રીનીંગ કરવાથી મોંઢાના અને ગળાના કેન્સર, સ્તન કેન્સર, ગર્ભાશયના મુખ ના કેન્સર, મળમાર્ગના અને આંતરડાના કેન્સર, ફેફસાના કેન્સરનું સમયસર નિદાન કરી અને સફળ સારવાર શક્ય બનાવી શકાય છે. તકલીફ ધરાવતા કે બીમાર વ્યક્તિઓ એ જ સ્ક્રીનીંગ કરાવવું જોઈએ એ માન્યતા સાવ ખોટી છે. દરેક સ્વસ્થ વ્યક્તિ કેન્સરનું ચેકઅપ (સ્ક્રીનીંગ) કરાવી શકે છે. તમે કયા કયા કેન્સરનું સ્ક્રીનીંગ કરાવી શકો તેની માહિતી કેન્સરના નિષ્ણાત ડોક્ટર પાસેથી મેળવી અને સ્ક્રીનીંગ કરવી શકાય છે.

કેન્સરની સારવારને ગંભીરતાથી લઈએ: 
કેન્સરનું નિદાન થયા બાદ દર્દી અને સગાઓએ નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવી. 
અત્યાધુનીક તપાસો,દવાઓ અને મશીનોની મદદથી ઓછામાં ઓછી આડઅસર સાથે કેન્સરની સફળ સારવાર કરાવી શકાય છે. 
ગભરાવું નહિં, દર્દીને હિમત આપવી, નકારાત્મક વાતો થી દર્દીની હિમત સારવારમાં ભંગ ન પાડવો.

કેન્સર ની સારવાર લાંબી હોય છે. આ દરમિયાનમાં દર્દી અને સગાઓની ધીરજ અને સહનશીલતા અત્યંત જરૂરી છે.
સારવાર દરમિયાન પ્રશ્નો/આડઅસરો માટે તમારી સારવાર કરનાર ડોક્ટર સાથે વાતચીત કરવી. 
ગભરાઈ ને સારવાર અધુરી ન છોડવી. 
અધુરી સારવાર કેન્સરનું બળ વધારે છે અને સફળતા ને ઘટાડે છે. 
કેન્સર ની સારવાર દરમિયાન નિયમિત રીતે લેવાની દવાઓ,ધ્યાન રાખવાની બાબતો, ખોરાક ની કાળજી વગેરે બાબતોનું ડોક્ટર ની સુચના પ્રમાણે ચુસ્ત અમલીકરણ કરવું. 


ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઇ અને આપણે સહુ વય્સન છોડી, જાગૃત બની સકરાત્મક વિચારો સાથે આગળ વધીશું તો કેન્સર ના કર્ક ને નાથવામાં આપણને સફળતા મળશે જ.

-ડો. ભાર્ગવ ત્રિવેદી (જામનગર) - કેન્સર ડોક્ટર સ્પેશિયલીસ્ટ